પ્રિયંકાનો પેલેસ્ટાઇન-બાંગ્લાદેશ પ્રેમ

Wednesday 18th December 2024 05:38 EST
 
 

વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે સંસદમાં પેલેસ્ટાઇનનું સમર્થન કરતા ‘પેલેસ્ટાઇન આઝાદ થશે’ના સ્લોગનવાળી બેગ લઈને પહોંચ્યાં હતાં, તો મંગળવારે બાંગ્લાદેશના લઘુમતીઓનો અવાજ ઉઠાવવાના સ્લોગન સાથેની બેગ લઈને પહોંચ્યાં હતાં.

• યુદ્ધનાયકોને રાષ્ટ્રપતિ-વડાપ્રધાનની શ્રદ્ધાંજલિઃ 1971માં પાકિસ્તાન વિરુદ્ધ ખેલાયેલા યુદ્ધમાં ભારતની જીતના પ્રતીક વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ શહીદ સૈનિકોને નમન કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી.

• પ્રીતિ લોબાન ગૂગલ ઇન્ડિયાનાં કન્ટ્રી મેનેજરઃ ગૂગલે પ્રીતિ લોબાનને ભારતના નવા કન્ટ્રી મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યાં છે. તે એઆઇ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા કંપનીની રણનીતિ પર કામ કરશે. લોબાન સંજય ગુપ્તાનું સ્થાન લેશે. ગુપ્તાને હાલમાં જ ગૂગલે એશિયા-પ્રશાંત વિસ્તારના પ્રેસિડેન્ટ બનાવ્યા છે.

• ઇન્દોરમાં ભિખારીઓને ભીખ આપતાં એફઆઇઆર નોંધાશેઃ મધ્યપ્રદેશના ઇન્દોરને ભિખારીમુક્ત બનાવવા જિલ્લા પ્રશાસન 1 જાન્યુઆરી 2025થી ભિખારીઓને ભીખ આપનારાઓ સામે એફઆઇઆર નોંધવાની શરૂ કરશે.

• સજ્જનના કેસનો ચુકાદો 8 જાન્યુઆરીએઃ દિલ્હી કોર્ટ 1984નાં શીખવિરોધી રમખાણો સંબંધે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમાર સામે ચાલી રહેલા હત્યાકેસનો ચુકાદો 8 જાન્યુઆરી 2025ના રોજ આપે તેવી સંભાવના છે.

• EVM પર દોષનો ટોપલો ના ઢોળોઃ ઓમરઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસની ઈવીએમ પર સવાલ કરતી ટીકાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, તમે ચૂંટણી જીતો ત્યારે પરિણામનો સ્વીકાર કરો છો, તો જ્યારે પરાજય થાય ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ના ઢોળો.

• RBIને બોમ્બની ઉડાવી દેવાની ધમકીઃ દિલ્હીમાં શાળાઓ બાદ હવે રિઝર્વ બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સતત ધમકીમાં હવે RBIનું નવું નામ જોડાઈ ગયું છે. વાસ્તવમાં શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બની ધમકી ધરાવતો ઈ-મેઇલ મળ્યો હતો, જેની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

• સીરિયા છોડીને મજબૂરીમાં નીકળ્યોઃ અસદઃ સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદનું ફરાર થયા બાદ પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે તેણે સીરિયા આયોજનબદ્ધ રીતે નથી છોડ્યું. મજબૂરીમાં છોડ્યું છે. તેઓ આતંકવાદી સામે લડવા માગતા હતા.

• કેનેડાના નાયબ વડાંપ્રધાન-નાણામંત્રીનું રાજીનામુંઃ કેનેડાનાં ડે. વડાંપ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું. ક્રિસ્ટિયાના કહેવા પ્રમાણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં અન્ય પોઝિશન સંભાળવા તેમને નાણામંત્રી પદેથી રાજીનામું આપવા જણાવ્યું હતું. આપણી વચ્ચે કેનેડાને આગળ વધારવાના માર્ગો બાબતે મતભેદો છે.


comments powered by Disqus