નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સરદાર વલ્લભભાઈ પટેલની 74મી પુણ્યતિથિ પ્રસંગે તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે, સરદાર દેશના પ્રેરણાસ્રોત છે. પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને લોહપુરુષ કહીને બિરદાવતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા માટે તેમજ વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવાની દિશામાં સરદાર દેશવાસીઓની પ્રેરણા બનેલા રહેશે.
ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા અને અખંડિતતાને હંમેશાં પ્રાથમિકતા આપી હતી. તેમનું સન્માન કરતાં ગુજરાતના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા બનાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, સરદારે 1928માં બારડોલી ખાતે ખેડૂતોનું નેતૃત્વ કરતાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ સફળ આંદોલન કરતાં સ્વતંત્રતા સંગ્રામને વેગ મળ્યો હતો.

