કોલકાતાઃ આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદથી જ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો ધરણાં કરી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા આ ડોક્ટરો મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ડોક્ટરોએ જે માંગણીઓ કરી હતી તે સ્વીકારીને મમતા બેનરજીએ આખરે કોલકાતાના કમિશનરને હટાવી દીધા છે.
મુખ્યમંત્રી આવાસ પર ડોક્ટરો અને મમતા બેનરજી વચ્ચે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. બાદમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે હોસ્પિટલોના માળખાકીય સુધારાની એક માગણીનો મમતાએ સ્વીકાર કર્યો. દરમિયાન મમતાએ એક મહિનાથી વધુ સમયથી ધરણાં કરી રહેલા ડોક્ટરોને કામ પર પરત ફરવા અપીલ કરી હતી. તેમણે ડોક્ટરોને કહ્યું હતું કે, હડતાળને કારણે દર્દીઓ પરેશાન થાય છે. સુપ્રીમે ગત મંગળવારે જ ધરણાં સમેટવા કહ્યું હતું, પરંતુ ડોક્ટરોએ ધરણાં ચાલુ રાખ્યાં હતાં.

