કચ્છમાં ભેદી બીમારી ‘વાઇરલ ન્યૂમોનિયા’ હોવાનો લેબ રિપોર્ટ

Wednesday 18th September 2024 03:17 EDT
 
 

ભુજઃ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી લોકોનાં ટપોટપ મોત થતાં હોવાથી ફફડાટ ફેલાયો છે, ત્યારે આ બીમારી હકીકતે વાઇરલ ન્યુમોનિયા હોવાનું અને તેના કારણે લોકોનાં મોત થતાં હોવાનું સામે આવ્યું છે. રોગચાળાનું મૂળ શોધવા રિપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી આવેલા રિપોર્ટમાં આ હકીકત ઉજાગર થઈ છે. વાઇરલ ન્યૂમોનિયા વચ્ચે આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ફોજ ગામેગામ સરવેમાં કરી રહી છે. શુક્રવારે લખપતના વધુ 11,580 લોકોના આરોગ્યની તપાસ કરાઈ હતી. તો દયાપર સીએચસીમાંથી ઓપીડીના 250 દર્દી પૈકી એક મહિલાને ભુજ રિફર કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શંકાસ્પદ તાવના કારણે અબડાસા તેમજ લખપત તાલુકામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. રોગને અંકુશમાં લેવા અને વધુ માનવ મોત ન થાય તે માટે છેલ્લા સાત દિવસથી આરોગ્ય વિભાગના 100 ડોક્ટરો સહિત 500થી વધુ લોકોનો સ્ટાફ આ બંને તાલુકામાં સતત કાર્યશીલ છે. લખપતમાં શુક્રવારે કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી, જેને લઈને આરોગ્ય વિભાગ તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અલગ-અલગ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર લોકોના આરોગ્યની તપાસ કરવાની સાથે દવા છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી કરાઈ છે. તાલુકામાં એમબીબીએસ તબીબોની 30 તેમજ આરબીએસના 13 તબીબોની ટીમોએ 38 ગામોમાં વધુ 11,580 લોકોની આરોગ્યલક્ષી તપાસ કરી હતી.


comments powered by Disqus