નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારમાં શિક્ષણમંત્રી આતિશી માર્લેના દિલ્હીનાં નવાં મુખ્યમંત્રી બન્યાં છે. અરવિંદ કેજરીવાલે ગોપાલ રાય દ્વારા મંગળવારે 17 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની મીટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગોપાલ રાયે કહ્યું કે, અમે મુશ્કેલ સંજોગોમાં આ નિર્ણય લીધો છે. કેજરીવાલની પ્રામાણિકતા બદનામ થવાથી તેમણે જેલથી જનહિતની સરકાર ચલાવી અને બહાર આવી રાજીનામું આપવાની જાહેરાત કરી.
મંગળવારે સાંજે કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું અને નવા મુખ્યમંત્રી માટે આતિશીનું નામ આપ્યું હતું. નવા મુખ્યમંત્રી અને કેબિનેટની શપથવિધિ પણ આ અઠવાડિયે જ કરવામાં આવશે. 26 અને 27 સપ્ટેમ્બરે દિલ્હી વિધાનસભાનું 2 દિવસનું સત્ર બોલાવાયું છે.
13 સપ્ટેમ્બરે લીકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા બાદ કેજરીવાલે 15 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ છોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે હું ઈમાનદાર છું કે બેઈમાન. જો જનતા એ ડાઘ ધોઈ નાખશે અને વિધાનસભાની ચૂંટણી જીતશે તો હું ફરીથી ખુરશી પર બેસીશ.
ભગવાન દિલ્હીનું ભલું કરેઃ માલીવાલ
સ્વાતિ માલીવાલે કહ્યું, જેમના પરિવારે અફઝલ ગુરુ માટે લડાઈ લડી, તેમને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી બનાવી દીધાં. ભગવાન દિલ્હીની રક્ષા કરે. દિલ્હી માટે આજનો દિવસ દુઃખદાયી છે.
દિલ્હીમાં અત્યાર સુધી 3 મહિલા મુખ્યમંત્રી
દિલ્હીના ઇતિહાસમાં અત્યાર સુધી 3 મહિલા મુખ્યમંત્રી આવ્યાં, જેમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય 15 વર્ષ અને 25 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યાં. બીજા નંબરે સુષમા સ્વરાજ 52 દિવસ, તો હવે આતિશી માર્લેના મુખ્યમંત્રી માટે પસંદગી પામ્યાં છે.આ સાથે આતિશી 43 વર્ષની વયે મુખ્યમંત્રી બનનારા બીજા સૌથી નાની વયના મુખ્યમંત્રી બન્યાં.

