નવી દિલ્હીઃ મુંબઈમાં લોકસભાની ચૂંટણી વખતે EVM અંગે મચેલા ઘમાસાણ અને ગરમાયેલા રાજકારણ અંગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબો આપ્યા હતા. EVMને હેક કરી શકાય છે તેવા આક્ષેપોને ફગાવતાં ચૂંટણીપંચનાં રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ ખુલાસો કર્યો હતો કે EVMને કોઈપણ સંજોગોમાં હેક કરી શકાતું નથી.
તેમણે દાવો કર્યો હતો કે EVM ને કોઈ OTPથી અનલોક કરી શકાતું નથી કે ફોન કે અન્ય કોઈ ડિવાઇસ સાથે જોડી શકાતું નથી. આથી તેની સાથે ચેડાંનો અવકાશ જ નથી. મીડિયામાં જે કંઈ અહેવાલો ફેલાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે.
લોકસભાની ચૂંટણીમાં શિવસેના શિંદે ગ્રૂપનાં સાંસદ રવીન્દ્ર વાયકરના સગા સામે મુંબઈ પોલિસે કેસ કર્યો છે જેની તપાસ ચાલી રહી છે. સાંસદનાં આ સગાએ ગોરેગાંવ ખાતે મત ગણતરી કેન્દ્રમાં જઈને ફોનનો દુરુપયોગ કરતા હોવાનું અને મત ગણતરીની માહિતી બહાર પહોંચાડતા હોવાનું જણાયું હતું. આ પછી સત્તારૂઢ પાર્ટી અને વિપક્ષો વચ્ચે EVMમાં ગેરરીતિ મુદ્દે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતા.
EVMને તપાસવાની કોઈને મંજૂરી નથીઃ રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ EVM અંગે મસ્કની ટિપ્પણીના સંદર્ભમાં કહ્યું હતું કે ભારતમાં EVM બ્લેક બોક્સ જેવા છે જેને તપાસવાની કોઈને મંજૂરી નથી. તેમના દ્વારા ચૂંટણી પ્રોસેસમાં પારદર્શકતા સામે ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જયારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકતંત્ર ફક્ત દેખાડો બની જાય છે.
EVMને હેક કરી શકાતું હોવાનો મસ્કનો દાવો
ટેસ્લાના માલિક એલન મસ્કે પોસ્ટ કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું હતું કે, EVMને માનવી દ્વારા કે AI દ્વારા હેક કરી શકાય છે. આથી તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ. જો કે આ ખતરો ઘણો ઓછો છે પણ ઘણો વધારે પણ છે.

