નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલા બાદ વધુ ત્રણ હુમલા થયા. આ દરમિયાન યોગ દિવસ એટલે કે 21 જૂને શ્રીનગરના ડાલ લેકના કિનારે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે. પ્રધાનમંત્રી તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો PM મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે.
પ્રધાનમંત્રી મોદી ડાલ સરોવર પાસે બનેલા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમના મુખ્યઅતિથિ હશે. એક અધિકારીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી 20 જૂનની સાંજે જ શ્રીનગર પહોંચશે. આ પછી તેઓ 21 જૂને સવારે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદીની હાજરીને કારણે આ એક હાઇપ્રોફાઇલ ઇવેન્ટ છે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત સુરક્ષા સઘન બનાવાઈ છે.
આતંકીઓ ફરતે ગાળિયો કસાશેઃ શાહ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસથી આતંકી ઘટનાઓએ માથું ઊંચક્યું છે ત્યારે આતંકવાદને નાબૂદ કરવા અને આતંકીઓનો સફાયો કરવા માટે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહનાં વડપણ હેઠળ હાઈ પ્રોફાઈલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આકરા પગલાં લઈને આતંકી કરશે ગાળિયો કસવા માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો હતો. નવી આધુનિક ટેકનિક અને સાધનો અપનાવીને આતંકવાદ તેમજ આતંકીઓનો અંત લાવવા સુરક્ષાદળોને આદેશ આપવામાં આવ્યો હતો. આતંકવાદને નાબૂદ કરવા મોદી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ ચાલુ રાખવા પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી.

