અમદાવાદઃ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ અને ભારત સરકારના પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વચ્ચે ઇતિહાસ-સંશોધન અને શિક્ષણ માટેના કરાર કરવામાં આવ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થયા બાદ આ પ્રકારના એમઓયુ પ્રથમવાર કરવામાં આવ્યા છે અને જેમાં વિવિધ ઐતિહાસિક પુસ્તકો તથા માહિતીની આપ-લે થશે. પીએમ સંગ્રહાલય દ્વારા પ્રથમવાર કોઈ સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં 5 લાખથી વધુ પુસ્તકો ધરાવતી વિશાળ લાઇબ્રેરી અને સંદર્ભગ્રંથો છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના પત્રો-પુસ્તકો તેમજ આઝાદીની લડતને લગતાં પુસ્તકો-દસ્તાવેજી ચિત્રો તથા ઇતિહાસને લગતાં પુસ્તકો- રિસર્ચ પેપર્સ, દસ્તાવેજીકરણ સહિતના અનેક ડોક્યુમેન્ટ છે અને પીએમ સંગ્રહાલયમાં પણ અનેક ઐતિહાસિક દસ્તાવેજો-પુસ્તકો અને ચિત્રો છે. ત્યારે વિદ્યાપીઠ અને પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વચ્ચે હિસ્ટ્રી, રિસર્ચ અને શિક્ષણના ફિલ્ડમાં મહત્ત્વના એમઓયુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત એકેડેમિક ઇન્ફોર્મેશન, રિસર્ચ ફાઇન્ડિંગ્સ તથા પબ્લિકેશન્સની આપ-લે થશે તથા બંને સંસ્થાના સ્કોલર્સને સંયુક્ત સંશોધનની તક મળશે.

