જે કીટલીઓ ગરમ છે, તે શાંત થવી જોઈએઃ મુખ્યમંત્રી

Wednesday 19th June 2024 06:59 EDT
 
 

આણંદઃ સારસા ગામમાં શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક કાર્યક્રમમાં આવ્યા હતા, જ્યાં તેઓએ સ્ટેજ પરથી જે કીટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએ એવું નિવેદન આપતાં માત્ર કોંગ્રેસમાં જ નહીં, પણ ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ પણ ચર્ચા-વિચારણા કરતા થઈ ગયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સારસા ગામે પહોંચ્યા હતા અને કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો. ગ્રામજનોએ મુખ્યમંત્રી સમક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા, આણંદ - સારસાને જોડતા રસ્તાનું સમારકામ કરાવવા, ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય, સખીમંડળોને આર્થિક પ્રવૃત્તિ માટે જગ્યા ફાળવવા, ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રી એક્શનમાંઃ મામલતદારની બદલી
મુખ્યમંત્રી શુક્રવારે આણંદથી સીધા ખેડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓની કામગીરીની ચકાસણી કરી હતી. ખેડા મામલતદાર પ્રીતિબહેન શાહની મહેસૂલ વિભાગની 100 જેટલી ફાઇલની તપાસમાં બેદરકારી બહાર આવતાં તાત્કાલિક અસરથી તેમની બદલી છોટાઉદેપુરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં કરી હતી. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.


comments powered by Disqus