અમદાવાદઃ બાળકો માટે તેનાં માતા-પિતા દેવતુલ્ય હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રથમ વખત એક રહીશે 'માતા- પિતા'નું મંદિર બનાવ્યું છે. 12 ફૂટ ઊંચા અને 6 ફૂટ પહોળા આ મંદિરને અષ્ટકોણનો આકાર આપી 11 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે. પાલડીમાં રહેતા હેમંત શાહના જણાવ્યા અનુસાર, સમયના અભાવને લીધે આજકાલ લોકો ઘરમાં મા હોવા છતાં તેમને સમય આપી શકતા નથી. પરિવારે માતા-પિતાની સ્મૃતિમાં તૈયાર કરેલું આવું પહેલું મંદિર છે. આ માતા-પિતા મંદિરમાં આરતી, પ્રસાદ જેવી કોઈ ધાર્મિક વિધિ થતી નથી. કોઈપણ વ્યક્તિ દર્શન કરી શકે એ માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. ગત એપ્રિલમાં શાહ પરિવારે આ મંદિર ખુલ્લું મૂક્યું હતું.

