નડિયાદઃ ખેડા જિલ્લાના સ્વામિનારાયણ વડતાલ મંદિરના સ્વામીઓના એક પછી એક વિવાદ સામે આવ્યા બાદ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ વડતાલ મંદિરના વાડી મંદિરના 3 સંતો દ્વારા દુષ્કર્મનો મામલો અને યુવક સાથે સ્નાનાગૃહમાં કરવામાં આવેલી શારીરિક ચેષ્ટાઓનો મામલો સામે આવ્યા બાદ રોષે ભરાયેલા 300થી વધુ હરિભક્તો ગુરુવારે બેનરો લઈને વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં ધૂન બોલાવીને લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર હાંકી કાઢવાની માગ સાથે આવેદન આપી રજૂઆત કરી હતી.
વડતાલ સ્વામિનારાયણ મંદિર તાબાનાં મંદિરોમાં રહેતાં સ્વામીઓની કામલીલાઓ બહાર આવ્યા બાદ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ મંદિરના સંતોની મહિલાઓ સાથે વીડિયો કોલ પર વાતચીત, ચેટિંગ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની બાબતો પ્રકાશમાં આવી હતી.

