નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નબળાં દેખાવની સાથે જ ભાજપ અને તેની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) વચ્ચેના વિવાદો સપાટી પર આવ્યા છે. આ સ્થિતિમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને સંઘના ઇન્દ્રેશકુમાર દ્વારા આડકતરી રીતે ભાજપ પર વાકપ્રહાર કરવામાં આવ્યા.
મોહન ભાગવતે જણાવ્યું કે, સાચો 'સેવક' ક્યારેય અહંકારી હોઈ શકે નહીં અને સાચા સેવકે મર્યાદા સાથે લોકોની સેવા કરવી જોઈએ. વધુમાં આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં ભાજપ કાર્યકરોની આકરી ટીકા કરતા જણાવાયું હતું કે, લોકસભા ચૂંટણીના આ પરિણામ ભાજપના અતિઉત્સાહી કાર્યકરો અને નેતાઓ માટે રિયાલિટી ચેક છે, જે તેમની જ દુનિયામાં મગ્ન હતા અને પીએમ મોદીના વ્યક્તિની ચકાચોંધમાં ડૂબેલા હતા. આ કારણે જ સામાન્ય જનતાનો અવાજ તેમના સુધી પહોંચી શક્યો નહીં.
અભિમાનને લીધે ભાજપ અટક્યોઃ ઇન્દ્રેશકુમાર
મોહન ભાગવતે આડકતરી રીતે કરેલી ટીકા બાદ સંઘના અન્ય એક નેતા ઇન્દ્રેશકુમારે પણ ભાજપની પરોક્ષ રીતે અભિમાની કહી તેની ઝાટકણી કાઢી હતી. જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઇન્દ્રેશકુમારે જણાવ્યું હતું કે, ભગવાન રામ સૌની સાથે ન્યાય કરે છે. જે પાર્ટીએ અભિમાન કર્યું, તેને તેમણે સંપૂર્ણ શક્તિ ના આપી. જેમણે રામની ભક્તિ કરી, તેમનામાં અહંકાર આવી ગયો અને તે પક્ષ 241 બેઠક જ મેળવી શક્યો. ખરેખર તો તેમને જ સંપૂર્ણ બહુમતિ મળવાની હતી. ઇન્દ્રેશકુમારે ઇન્ડિયા ગઠબંધનનું નામ લીધા વિના જણાવ્યું કે, જે લોકોએ રામનો વિરોધ કર્યો, ભગવાને તેમને સહેજ પણ શક્તિ ના આપી. બધાં ભેગાં થયાં તો પણ બીજા ક્રમે રહ્યાં. ભગવાન રામનો ન્યાય વિચિત્ર નહીં પરંતુ સાચો અને તટસ્થ છે.

