અબડાસા: કચ્છના અબડાસા વિસ્તારમાં ઘઉંનું રૂ. 125 કરોડ જેટલું મબલખ ઉત્પાદન થયું છે. અબડાસાના ખેડૂતો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઘઉંનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
એક અંદાજ મુજબ અબડાસામાં રૂ. 125 કરોડ જેટલું ઉત્પાદન થયું છે, જેમાં કોઠારા, વાંકુ, સાયરા, ખીરસરા, વિંઝાણ, લાલા, પરજાઉ, સિંધોડી, ભાનાડા, પૈયા, હાજાપર સહિતનાં અનેક ગામોમાં વાવેતર કરાયું હતું, જેના માટે પંજાબથી કમ્બાઇન્ડર મશીન પણ અહીં આવી પહોંચ્યાં છે. જ્યાં જુઓ તે વાડીમાં ઘઉંના ઢગલા દેખાઈ રહ્યા છે.
ઘઉંના એક કિલોના રૂ. 24થી 28 ભાવ આવી રહ્યા હોવાનું ખીરસરાના ખેડૂત કરણસિંહ સોઢાએ જણાવ્યું હતું. તો અહીંના શિખ ખેડૂત અગ્રણી ગુરપ્રીતસિંઘે જણાવ્યું કે, આ વખતે કોઠારા વાડી વિસ્તારમાં જ 50થી વધુ ઘઉં કાઢવા માટેનાં કમ્બાઇન્ડર મશીન પંજાબથી આવ્યાં છે અને એક એકરના રૂ. 1000 ચાર્જ લઈ રહ્યા છે, જેનાથી કામ પણ ઝડપથી થઈ જાય છે. આ કાર્ય હજુ એક મહિનો ચાલશે. આમ હાલ સમગ્ર અબડાસામાં ઘઉંની કાપણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.