મહેસાણાઃ ઉત્તર ગુજરાત પાંચ ગામ (બાલીસણા, સંડેર, મણુંદ, વાલમ અને ભાંડુ) લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ‘વડીલવંદના તીર્થયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. અસ્મિતા, ગૌરવ અને સંસ્કારરૂપી મૂલ્યોને તાદૃશ્ય કરતી ‘વડીલ વંદના તીર્થયાત્રા’માં સમાજના 60 વર્ષ ઉપરના 2100થી વધુ વડીલોને સમાજના દાતાઓ અને ભામાશાઓ દ્વારા દ્વારકા, સોમનાથ, કાગવડની તીર્થયાત્રા કરાવવામાં આવી હતી.
સમાજના કેટલાક વડીલોએ 50 વર્ષ પછી પોતાના બાળસખા, મિત્રો સાથે મનભરીને મોજથી વાતો કરી અને સમાજને સંવર્ધિત કર્યો. સમાજનું માનવું છે કે અત્યારના ડિજિટલ યુગમાં જે કામ મેરેજ બ્યૂરો અને એપ્લિકેશન કરી રહ્યાં છે તે જ કાર્ય સારી રીતે આપણા વડીલો કરી શકતા હતા અને હજુ પણ કરી રહ્યા છે.
જીવનના આ અમૂલ્ય ત્રણ દિવસ દરમિયાન વડીલોએ પોતાના બાળપણને પુનઃ જીવંત કર્યું અને પોતાના જીવન બાગમાં આ તીર્થયાત્રારૂપી પુષ્પને કાયમ માટે સ્મૃતિઓમાં સંગ્રહિત કર્યું. વડીલોની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકોને શ્રવણ નામ આપવામાં આવ્યું હતું. તમામ શ્રવણ, ડોક્ટર્સ ટીમ, નર્સિંગ સ્ટાફ, વિવિધ કમિટીના સ્વયંસેવકોને આ દિવસો દરમિયાન
સમાજના વડીલોનું વહાલપ માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
‘વડીલવંદના તીર્થયાત્રા’ માટે 53 જેટલી સ્લીપર કોચ બસ, 3 એમ્બુલન્સ, 23 જેટલી વિવિધ કમિટી, એક ICU ઓન વ્હીલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે અગણિત દાતાઓ અને ભામાશાઓએ દાનની સરવાણી વહાવી હતી. કરોડો ખુશીઓ અને યાદો સાથે સમાજના ગૌરવવંતા ઇતિહાસમાં આ તીર્થયાત્રા અમીટ છાપ બની અંકિત થઈ છે.