એકે હજારા ડોક્ટરઃ એક હાથ છતાં એમબીબીએસની ડિગ્રી મેળવી

Wednesday 20th March 2024 07:10 EDT
 
 

વડોદરાઃ એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં શનિવારે બરોડા મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહમાં 250 વિદ્યાર્થીઓમાં મુસ્કાન શેખે પણ એમબીબીએસની પદવી મેળવી.જો કે મુસ્કાન માટે તે સરળ નહોતું. મુસ્કાને 13 વર્ષની ઉંમરે ધો.8ના શાળા પ્રવાસમાં સર્જાયેલા અકસ્માતમાં જમણો હાથ ગુમાવ્યો હતો. જો કે હિંમત હાર્યા વિના તેણે સતત અભ્યાસ કર્યો અને બાળપણનું તબીબ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. પદવીદાન સમારોહમાં તે ડિગ્રી લેવા ગિયરલેસ કારને ડાબે હાથે એકલા જ ડ્રાઇવ કરીને સમારોહ સ્થળે પહોંચી હતી.
તબીબ બનવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું કે, હું કેટલી મજબૂત છું તેની મને અકસ્માત બાદ જ જાણ થઈ. અકસ્માતના બે મહિના બાદ જ વાર્ષિક પરીક્ષા આપવાનો મેં નિર્ધાર કર્યો હતો અને ચોથા દિવસથી ડાબા હાથે લખવાનું શરૂ કર્યું હતું. જો કે લેખનમાં ઝડપ દિવસો બાદ આવી હતી. સતત મહાવરો કરતાં લખવામાં હથોટી આવી ગઈ હતી.
મુસ્કાન શેખે જણાવ્યું કે, તે હવે નીટ આપવા માગે છે અને ડર્મિટોલોજિસ્ટ કે રેડિયોલોજિસ્ટ તરીકે કારકિર્દી ઘડવા માગે છે. તેના પિતા અબ્દુલ રહીમભાઈ શેખ અને માતા બિલ્કિસબહેન શેખ બંને વાઘોડિયાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. બિલ્કિસબહેને કહ્યું કે, મુસ્કાનનો જીવન પ્રત્યેનો અભિગમ જોઈને અમે તેને હંમેશાં પ્રોત્સાહન જ આપ્યું છે.


comments powered by Disqus