ગુજરાતમાં 7 મેએ 26 લોકસભા બેઠકનું મતદાન, 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી

Wednesday 20th March 2024 05:59 EDT
 
 

ગાંધીનગરઃ ભારતીય ચૂંટણીપંચે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 6 પૈકી 5 બેઠકની પેટાચૂંટણી જાહેર કરી છે. શનિવારે બપોરે દિલ્હીથી થયેલી જાહેરાત મુજબ ગુજરાતમાં 12 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ સ્વીકારવા માટેની પ્રક્રિયાનો આરંભ થશે. 7 મેએ તમામ બેઠક પર મતદાન યોજાશે. જેના માટે રાજ્યના 4,94,49,469 નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ખાલી પડેલા છ મતક્ષેત્ર પૈકી વિસાવદર બેઠકમાં પેટાચૂંટણીની જાહેરાત થઈ નથી. ગુજરાતસ્થિત મુખ્ય નિવાર્ચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે, ચૂંટણી જાહેર થતાં જ રાજ્યના વહીવટી તંત્ર, ચૂંટણી અધિકારીઓને આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા સૂચના આપી છે. નાગરિકો કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ, ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરિયાદ કરી શકે તેના માટે C-VIGIL એપ્લિકેશનને એક્ટિવ કરવામાં આવી છે. લોકસભાનાં 26 મતક્ષેત્રો અને વિધાનસભાના 5 મતક્ષેત્ર માટે 12 એપ્રિલથી 19મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય નિયત કરાયો છે. 7 મેએ રાજ્યમાં મતદાન યોજાશે અને બાદમાં તમામ તબક્કાઓને અંતે 4 જૂને મતગણતરી થશે. જેના માટે 33,475 ગ્રામીણ, 17,202 શહેરી એમ કુલ મળીને 50,677 મતદાન મથકોએ 87,042 બેલેટ યુનિટ સાથે કુલ 80,308 વીવીપેટ મશીન સાથે મતદાન વ્યવસ્થા સાથે સમગ્ર તંત્ર સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં હવે 80 દિવસ આચારસંહિતા અમલમાં રહેશે. જ્યારે 7 મેએ મતદાન યોજાયા બાદ EVM 27 દિવસ સુધી સ્ટ્રોંગરૂમમાં રહેશે અને 4 જૂને મતગણતરી માટે ખૂલશે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના પહેલાં જ ભાજપે 26 પૈકી 22 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. બાકીના 4 ક્ષેત્રમાં ઉમેદવાર પસંદગીને લઈને મથામણ ચાલુ હોવાની ચર્ચા છે. કોંગ્રેસમાંથી પણ 7 ઉમેદવાર જાહેર થયા છે અને બાકીની 19 બેઠક માટે ચહેરાની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના 4.94 કરોડ વોટર્સ આપશે વોટ
ગાંધીનગરઃ ભારતીય ચૂંટણીપંચે જાહેર કરેલી તારીખો અનુસાર લોકસભાની ચૂંટણીઓના મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાતને આવરી લેવાયું છે, તેથી રાજ્યની 26 લોકસભા બેઠક પરની સામાન્ય જ્યારે 5 વિવાનસભા પરની પેટાચૂંટણી 7 મેએ થશે. આ માટે જાહેર કાર્યક્રમ અનુસાર 12 એપ્રિલે જાહેરનામું બહાર પડશે અને 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પછી 20 તારીખે ચકાસણી બાદ 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
મતગણતરી સમગ્ર દેશમાં એકસાથે 4 જૂને યોજાશે. 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન 23 એપ્રિલે થયું હતું, તેથી તેની સાપેક્ષે આ વખતે 15 દિવસ મોડું મતદાન થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે, જે પૈકી 2,39,78,243 મહિલા મતદાર અને 2,54,69,723 પુરુષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. કુલ મતદાતામાં 4.24 લાખ જેટલા મતદારો 85 વર્ષથી વધુ વયના અને 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.


comments powered by Disqus