જૂનાગઢઃ કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્ત્વ રહેલું છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વૈષ્ણવો શરૂ કરે છે. રેડક્રોસના પટાંગણમાં 150થી પણ વધુ મહિલાઓ દ્વારા વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હોળી રસિયા ગાનનો 400 વર્ષ પૌરાણિક ધાર્મિક, પરંપરાગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં પણ દરવર્ષે હોળી-ધુળેટી સુધી સળંગ 40 દિવસ વિવિધ સ્થળોએ મહિલાઓ દ્વારા હોળી રસિયા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની હોળી રમવામાં આવે છે. સાથોસાથ ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્તિમય ભજનો અને ગીતો ગવાય છે. જૂનાગઢમાં મંગળવારે જલારામ રઘુવંશી મહિલા મંડળના મહિલા તેમજ વૈષ્ણવ સંપ્રદાયની બહેનો દ્વારા યોજાયો હતો, જેમાં બહેનોએ ગોપી અને કૃષ્ણ બનીને ઠાકોરજી સમક્ષ નૃત્યગાન કરીને ભક્તિમાં તલ્લીન થયાં ત્યારે ઉપસ્થિત સૌકોઈનું મન મોહી લીધું હતું. ખાસ નાની વયના કાન-ગોપી આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
એવું પણ કહેવાય છે કે વ્રજભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ ધુળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસૂડાનાં ફૂલના રંગ છાંટીને રમ્યા હતા. સમગ્ર વ્રજભૂમિ તથા જ્યાં જ્યાં વૈષ્ણવો છે, ત્યાં હોળી રસિયાનાં ભજનો ગવાય છે અને એકબીજા સાથે પુષ્પવર્ષા કરીને ભક્તિભાવ સાથે ફૂલથી હોળી રમવામાં આવે છે.