મહેસાણાઃ ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટીદાર સમાજના 800થી વધુ નિ:સંતાન, અપરિણીત, માત્ર દીકરીઓ જ હોય તેવા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે એક દીકરો બનીને ઊભા રહ્યા છે ઊંઝા પાસેના મક્તુપુર ગામના સેવાભાવી સદગૃહસ્થ રમેશભાઈ હીરાભાઈ પટેલ. રમેશ પટેલે આવા 60 વડીલોને 18 એસી વોલ્વો બસમાં 3600 કિલોમીટરથી વધુ અંતરની 13 દિવસની આ જાત્રા કરાવી અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, ઉજ્જૈન સહિતનાં 13 મોટાં તીર્થસ્થાનોમાં દર્શન-પૂજા કરાવ્યાં હતાં.
13-13 દિવસ સુધી ઘરથી દૂર હોવા છતાં ઘર જેવા માહોલમાં નિજાનંદમાં જાત્રા પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર જાત્રા કરવાનો આનંદ છલકાતો હતો. આ સાથે વડીલોએ કહ્યું હતું કે, ‘આ યુગમાં સગા દીકરા કરતાં પણ વિશેષ કાળજી રાખી છે.’ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ- પાટણ દ્વારા આયોજિત દેશની સૌથી મોટી આ ધાર્મિક તીર્થયાત્રાનો સંપૂર્ણ ખર્ચ એક જ દાતા રમેશભાઈ હીરાભાઈ પટેલે ઉપાડી લીધો હતો. આ સિનિયર સિટિઝન્સની તીર્થયાત્રા શનિવારે સાંજે પૂરી થઈ હતી. યુવા સંગઠનના માર્ગદર્શક ડો. દિલીપ પટેલે કહ્યું કે, તીર્થયાત્રામાં જોડાયેલા વડીલોમાં 80% બહેનો હતી. કેટલાક વડીલો એવા હતા, જેમણે સ્વજન ગુમાવ્યા બાદ તેમના જીવનમાં અંધકાર વ્યાપી ગયો હતો. પાટણ યુવા મંડળ આ બાબતનું સાક્ષી બન્યું કે રમેશભાઈ અને તેમના પુત્ર ચિરાગભાઈ અને કલ્પેશભાઈ સહિત સમગ્ર પરિવારે ઢળતી જીવનસંધ્યાએ જાત્રા કરી શકવાની આશા ગુમાવી ચૂકેલા આવા વડીલોને અયોધ્યા સહિત 13 તીર્થસ્થાનોની જાત્રા કરાવી પુણ્યનું મોટું કાર્ય કર્યું છે. તીર્થયાત્રા પાછળ રૂ. 3 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.
પાટણ, બેતાલીસ લેઉઆ પાટીદાર યુવા મંડળના પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું હતું કે, આયોજક દ્વારા દરેક યાત્રિકનો રૂ. 3 લાખનો વીમો લેવામા આવ્યો હતો. દાતા પરિવારે એસી વોલ્વો બસથી લઈ રહેવા-જમવાની ઉત્તમ સુવિધા સાથે ગાઇડ, પૂજારી અને વારાણસીમાં ક્રૂઝની વ્યવસ્થા પણ કરી હતી. ખરેખર રમેશભાઈ અમારા સમાજના વડીલો માટે ‘શ્રવણકુમાર’ બન્યા છે.
લાખો ખર્ચતાં આનંદ ન મળે તેટલો આનંદ થયો
તીર્થયાત્રાના દાતા રમેશભાઈ પટેલે કહ્યું કે, આ બધું રંગ અવધૂત-દત્ત ભગવાનની પ્રેરણા અને યુવાનોના સહકારથી શક્ય બન્યું છે. અમે તો નિમિત્ત છીએ. લાખો ખર્ચતાં પણ ન મળે તેટલો આનંદ આ યાત્રિકોના ચહેરા પર જોઈને થઈ રહ્યો છે. અમારો પરિવાર આજે ધન્ય થઈ ગયો છે કે અમને એકસાથે 800 વડીલોની સેવા કરવાનો મોકો મળ્યો.’