અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 માર્ચે ધોલેરામાં સેમિકંડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું. ધોલેરા રૂ. 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિ કંડક્ટર ફેબ હશે. આ સિવાય પ્રધાનમંત્રીએ સાણંદમાં મુરુગપ્પા ગ્રૂપની કંપની સી.જી. પાવરનો રૂ. 7600 કરોડના પ્લાન્ટ અને આસામ મોરીગાંવ ખાતે ટાટાનો રૂ. 27 હજાર કરોડના ચિપ એસેમ્બ્લી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.
પ્રધાનમંત્રીએ લોકોને સંબોધતાં કહ્યું કે, સેમિ કંડક્ટરના સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. સેમિ કંડક્ટર સંભવિતતાથી ભરેલા દ્વાર ખોલે છે. આ પરિયોજનાઓ ભારતને સેમિ કંડક્ટર હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પીએમના દિશાનિર્દેશમાં સેમિકંડક્ટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ગુજરાતને ભારતનું કેન્દ્ર બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. સેમિ કંડક્ટર જેવા ઊભરતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અલગ સેમિ કંડક્ટર પોલિસી બનાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. સેમિકોન સિટી એકમાત્ર ડેસ્ટિનેશન છે, જ્યાં સેમિકંડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રખાય છે. ધોલેરા, સાણંદમાં સ્થપાનારા બંને યુનિટ રોજગારીની વિપુલ તકો ઊભી કરશે.