અમદાવાદઃ ‘પટેલની દીકરીઓ વિધર્મીઓને બોયફ્રેન્ડ બનાવે છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. 7 પાટીદાર છોકરીએ ભેગા મળીને વિધર્મી બોયફ્રેન્ડને રૂ. 40 લાખની કાર ગિફ્ટમાં આપી છે. પિતા પૈસા બનાવવામાં વ્યસ્ત છે, ને માતા રીલ બનાવવામાં મસ્ત છે.’ ફાયર બ્રાન્ડ વક્તા કાજલ હિન્દુસ્થાનીએ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં પાટીદારો ભડક્યા છે. આ અંગે હવે એસપીજી સહિત વિવિધ પાટીદાર સંસ્થાઓ મેદાને પડી છે. મોરબીમાં પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્થાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે આ તમામ સંસ્થાઓએ આખા રાજ્યમાં કાજલ હિન્દુસ્થાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયારી આદરી છે.
કાજલ હિન્દુસ્થાનીના વિવાદાસ્પદ વીડિયો બાદ પાટીદાર સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. એસપીજીના નેતા લાલજી પટેલનું કહેવું છે કે, જો ખરેખર આવી ઘટના ધ્યાને આવી હોય તો કાજલ હિન્દુસ્થાનીએ પાટીદાર સમાજના નેતાઓનો સંપર્ક કરીને ધ્યાન દોરવું જોઈતું હતું. પુરાવા વિના જાહેરમાં બોલવું જોઈતું નહોતું. આ તો પાટીદાર દીકરી-પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. અમે સખત શબ્દોમાં આ ઘટનાને વખોડીએ છીએ. પાટીદાર દીકરીઓને જાહેરમાં વખોડનારી કાજલ સામે બે-ત્રણ દિવસમાં જ પોલીસ ફરિયાદ નોંધાવીશું.
ધનજી પાટીદારે કાજલ હિન્દુસ્થાનીનો વિરોધ નોધાવ્યો કે, લવ જેહાદના નામે પાટીદારોને ટાર્ગેટ કરાયા છે. પાટીદાર દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે તેમ જાહેરમાં કહી પાટીદાર સમાજ પર કલંક લગાવ્યું છે. આ શબ્દો નાનાસૂના નથી. જ્યાં સુધી કાજલ હિન્દુસ્થાની પાટીદારોની માફી નહીં માગે ત્યાં સુધી સ્ટેજ પર બોલવા દઈશું નહીં. એટલું જ નહીં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયાએ
પણ એવો સૂર વ્યક્ત કર્યો કે, કાજલ હિન્દુસ્થાનીએ પુરાવા વિના જાહેરમાં નિવેદન આપવું જોઈએ નહીં.