અમદાવાદઃ ભાજપ હાઇકમાન્ડ દ્વારા બુધવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ, જેમાં 10 રાજ્યના 72 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભાજપે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 2 ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 સીટિંગ સાંસદોનાં પત્તાં કપાયાં છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબહેન શિયાળ, વલસાડથી કે.સી. પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટાઉદેપુરથી ગીતાબહેન રાઠવાની ટિકિટ કપાઈ છે. તેમના સ્થાને સુરતમાં મૂકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણિયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટાઉદેપુરમાં જશુ રાઠવાને ટિકિટ અપાઈ છે.
ભાજપે દાદરા નગર હવેલીથી શિવસેના (UBT)ના પૂર્વ સાંસદ કલા ડેલકરને મેદાને ઉતાર્યાં છે. કલા ડેલકર 2021ની પેટાચૂંટણીમાં દાદરા નગર હવેલીનાં પહેલાં મહિલા સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.