ભુજઃ રૂ. 4900 કરોડની હેરાફેરી સાથેના ઓનલાઇન ગેમિંગના તાર કચ્છના કંડલા-મુંદ્રા સુધી ફેલાયેલા હોવાનું ખૂલ્યું છે. મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રૂ. 4900 કરોડની હેરાફેરી સાથેના ઓનલાઇન ગેમિંગ અને સાઇબર ક્રાઇમ અંગે હાથ ધરાયેલી તપાસમાં આશિષ ઠક્કરની ગુરુગ્રામથી ધરપકડ કરી છે. આ આરોપી આશિષ ઠક્કર દ્વારા કંડલા અને મુંદ્રા બંને પોર્ટ પર સેઝમાં આયાત-નિકાસ માટેની કંપનીઓ ઊભી કરાઈ હોવાનું ખૂલ્યું છે.
દેશની તિજોરીને નુકસાન પહોંચાડવાના ઈરાદે 200 જેટલી કંપનીઓ માત્ર કાગળ પર બનાવાઈ હોવાની પણ ચર્ચા છે. જો કે સોપારીકાંડ સાથે સંકળાયેલા આશિષ ઠક્કર વિદેશમાં હોંગકોંગ, ચીન અને દુબઈ સુધી નેટવર્ક ધરાવતો હોવાનું ખૂલ્યું છે. જો એજન્સીની સંયુક્ત તપાસ થાય તો આ આર્થિક કૌભાંડ આચરનારા વ્હાઇટ કોલર દાણચોર એવા દેશદ્રોહી તત્ત્વોનો ભાંડાફોડ થાય અને તેમના અસલી ચહેરા લોકો સમક્ષ ખૂલે તેવી શક્યતા છે.

