વન નેશન-વન ઈલેક્શન પર કોવિંદ કમિટીએ રાષ્ટ્રપતિને 18626 પેજનો રિપોર્ટ સોંપ્યો

Wednesday 20th March 2024 07:22 EDT
 
 

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને ઉચ્ચસ્તરીય સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 18626 પેજનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ માટે 2 સપ્ટેમ્બર 2023એ એક કમિટીનું ગઠન કર્યું હતું, જેણે 191 દિવસ સુધી એક્સપર્ટની સાથે ચર્ચા અને વિચારવિમર્શ બાદ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.
રાષ્ટ્રપતિને રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં લોકસભા, વિધાનસભા, નગરનિગમની ચૂંટણી કરાવવા કોમન મતદાતા યાદી તૈયાર કરવા ભલામણ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નગર નિગમ અને પંચાયત ચૂંટણીઓને પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસની અંદર જ પૂર્ણ કરી લેવામાં આવે.
ખર્ચ થતો અટકશે
કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ લાગુ થતાં દેશમાં દરવર્ષે થનારી ચૂંટણીનો ખર્ચ બચી જશે. વર્ષ 1951-52માં લોકસભા ચૂંટણીમાં રૂ. 11 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે 2019 લોકસભા ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનો ભારે ખર્ચ થયો હતો.
વિરોધમાં 4 પાર્ટી
રાષ્ટ્રીય પક્ષોમાંથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને સીપીઆઇ(એમ)એ વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટીએ તેનું સમર્થન કર્યું. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, 32 પક્ષ દ્વારા સમર્થન આપવાની સાથે દુર્લભ સંસાધનો બચાવવા, સામાજિક સદભાવની રક્ષા કરવા તેને અપનાવવા અપીલ કરાઈ છે.
7 દેશોનો અભ્યાસ કરાયો
“એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની શક્યતા તપાસવા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જર્મની, સ્વીડન, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા જેવા સાત દેશોમાં ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus