લંડનઃ યુકેમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાની ચિંતા મધ્યે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે યુકેના એજ્યુકેશનની આર્થિક સ્થિરતા પર મોટું જોખમ સર્જાયું છે. યુકેનું એજ્યુકેશન સેક્ટર વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવાતી તગડી ફી પર નભી રહ્યું છે.
તાજેતરમાં યુકેમાં ફાટી નીકળેલા ફાર રાઇટ રમખાણો અને નોકરીની ઘટી રહેલી તકોને પગલે ભારતીય વિદ્યાર્થીઓમાં યુકેમાં અભ્યાસનો મોહ ઘટી રહ્યો છે. રેગ્યુલેટર ઓફ યુકે હાયર એજ્યુકેશન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર ભારતથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો થયો છે. 2022-23માં યુકેમાં અભ્યાસ માટે 1,39,914 ભારતીય વિદ્યાર્થી આવ્યા હતા જે 2023-24માં 28,585 ઘટીને 1,11,329 થઇ ગયાં હતાં જે 20.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આજ સમયગાળામાં નાઇજિરિયાથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 44.6 ટકા ઘટીને 32,192થી 25,897 પર આવી ગઇ હતી જ્યારે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 41.2 ટકા ઘટીને 7425થી 5202 પર આવી ગઇ હતી. આ સમયગાળામાં વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં 11.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
તેવી જ રીતે વર્ષ 2023ની સરખામણીમાં જાન્યુઆરી 2024થી સપ્ટેમ્બર 2024 વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓની વિઝા અરજીમાં પણ 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
તાજેતરના ઓટમ બજેટમાં એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાનમાં વધારો અને નોકરીની ઓછી તકો પણ યુનિવર્સિટીઓના બજેટ ખોરવી રહી છે. એક રિપો4ટ પ્રમાણે 2025-26માં યુનિવર્સિટીઓની વાર્ષિક આવકમાં 3.4 બિલિયન પાઉન્ડ સુધીનો ઘટાડો થઇ શકે છે અને એજ્યુકેશન સેક્ટરની ખોટ 1.6 બિલિયન પાઉન્ડ પર પહોંચી જશે.

