ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સરેરાશ 72.74 ટકા એટલે કે 642 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સંજોગોમાં એવરેજ 883 મિ.મી. જોવા મળે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે.
રાહત નિયામકના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછો 47 ટકા વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે, જે પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં આવે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં અનુક્રમે 54.60 ટકા અને 56.75 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીએ ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગ હજી વધુ વરસાદની આશા રાખી રહ્યો છે, પરંતુ જે જિલ્લામાં 50 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે તે જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની ખેંચ સંભવ છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સરેરાશ 730 મિ.મી. વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે માત્ર 399 મિ.મી. રહ્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 811 મિ.મી.ની એવરેજ સામે 460 મિ.મી. વરસાદ નોંધાયો છે.
સિઝનનો સરેરાશ 72 ટકા વરસાદ
રાજ્યભરમાં સિઝનનો સરેરાશ 72 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. વરસાદ છતાં રાજ્યના અનેક વિસ્તારો એવા છે, જે વરસાદથી વંચિત છે. વરસાદથી વંચિત આ વિસ્તારોમાં સિઝનના સરેરાશ વરસાદ સામે 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં સિઝનનો ઓછો વરસાદ વરસ્યો છે, જેને લઈ આવનારા સમયમાં પરેશાની સર્જાઈ શકે તેમ છે. રાજ્યના 54 તાલુકામાં સરેરાશ કરતાં 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છેે.


comments powered by Disqus