નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ તેની કરવામાં આવેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દેશવ્યાપી હડતાળ આપવામાં આવી, તો તેની સાથોસાથ અન્ય દેશોમાં પણ આ ઘટના વિરુદ્ધમાં દેખાવો કરવામાં આવ્યા. આને કારણે શનિવાર સવારથી જ દેશભરમાં IMAના સરકારી તેમજ ખાનગી મળી આશરે 10 લાખથી વધુ ડોક્ટરો તેમજ નર્સો હડતાળ પર ઉતરી ગયા હતા.
આરોપીના લાઇ-ડિટેક્ટર ટેસ્ટને મંજૂરી
કોલકાતા હાઇકોર્ટ દ્વારા સોમવારે મહિલા ટ્રેઇની ડોક્ટર સાથે રેપ કરીને તેની હત્યા કરનારા આરોપી સંજય રોયના લાઇ-ડિટેક્ટર ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. સંજય આ કેસનો મુખ્ય આરોપી છે, જે ઘટના વખતે ત્યાં હાજર હોવાનું જણાયું હતું. હાઇકોર્ટ દ્વારા કેસની વધુ સુનાવણી 29ી ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
પીડિતાનાં 14 અંગો પર ગંભીર ઈજા
કોલકાતાની આરજી કર હોલ્પિટલનાં મૃતક મહિલા ટ્રેઇની ડોક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં જણાયું છે કે પીડિતા સાથે બર્બરતા આચરી તેના પ્રાઇવેટ પાર્ટ સહિત 14 અંગો પર ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. પીડિતાના 14 અંગ માથું, ગાલ, હોઠ, નાક, જડબા, ગરદન, ડાબો હાથ, ડાબો ખભો, ડાબા ઘૂંટણ, કોણી તેમજ કાંડા પર ઇજાનાં અને લોહી જામી ગયાના નિશાન મળી આવ્યાં
ડોક્ટરે લખેલી ડાયરીનાં ઘણાં પેજ ગાયબ
મૃતકના કેટલાક સહયોગી ઉપરાંત તેની માતાએ કહ્યું કે, તેની દીકરી નિયમિત ડાયરી લખતી હતી. જો કે તપાસમાં પીડિતાની ડાયરીનાં ઘણાં પેજ ગાયબ છે. માનવામાં આવે છે કે પીડિતાના મોત સાથે સંબંધિત કોઈ સત્ય પેજમાં લખેલું હતું, જેથી પુરાવાનો નાશ કરવા તેને ફાડી નાખવામાં આવ્યાં છે.
પદ્મશ્રી તબીબોની પ્રધાનમંત્રી પાસે માગ
ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સંદર્ભે દેશના પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા ડોક્ટરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી યોગ્ય પગલાં ભરવા માગ કરી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે પદ્મશ્રી ડો. હર્ષ મહાજન, ડો. અનુપ મિશ્રા, ડો. એ. કે. ગ્રોવર, ડો. અલકા ક્રિપલાની, ડો. મોહસીન વલી સહિતના 70થી વધુ ડોક્ટરે વડાપ્રધાનને લખ્યું છે કે અમારા રાષ્ટ્રના વડા તરીકે અમે આ ચિંતાજનક પરિસ્થિતિને દૂર કરવા માટે તમારા હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ.
સેક્સ ડ્રગ રેકેટ, અંગોની તસ્કરીની શંકા
સીબીઆઇની તપાસ અને મૃતકના સહાધ્યાયીનાં નિવેદન અનુસાર જાણકારી મળી છે કે, સેક્સ, ડ્રગ રેકેટ અને માનવ અંગોના ગેરકાયદે વેપાર પરથી પડદો ઉઠાવવાના પ્રયત્નો પર રોક લગાવવા ટ્રેઇની ડોક્ટરને રસ્તામાંથી હટાવાઈ છે. જો કે સીબીઆઈ આ બધી કડીઓને એકબીજા સાથે જોડી શકી નથી
ડોક્ટરો પર હુમલામાં 6 કલાકમાં FIRનો નિર્દેશ
મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર પર રેપ કરીને હત્યાના કિસ્સામાં ડોક્ટરોનો રોષ વધ્યા પછી કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડોકટરોની હડતાળ વચ્ચે આરોગ્ય મંત્રાલય દ્વારા ડોક્ટરો પર હુમલા કે હિંસાના કિસ્સામાં 6 કલાકમાં જ FIR કરીને દોષિતો સામે કાર્યવાહી કરવા સત્તાવાળાઓને આદેશ અપાયો છે. FIR કરાવવાની જવાબદારી જે-તે સંસ્થાના હેડની રહેશે. જે-તે હોસ્પિટલોમાં કોઈ ઘટના બનશે તો તેના જવાબદાર પણ સંસ્થાના હેડ રહેશે.
દુષ્કર્મ- હત્યા અંગે અન્ય દેશોમાં પણ પ્રદર્શન
કોલકાતાની ઘટનાના વિરોધમાં 14 ઓગસ્ટની રાત્રે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ધરણાં પ્રદર્શન કરાયું હતું. જેમાં 40 જેટલા લોકોએ ભેગા થઈને બંગાળમાં દેખાવો કરતા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને સમર્થન જાહેર કર્યું હતું. લોસ એન્જલસમાં લેક હોલિવૂડ પાર્ક, હ્યુસ્ટન, શિકાગો ઉપરાંત જર્મની, પોલેન્ડ અને કેનેડામાં પણ દેખાવો યોજાયા હતા. જર્મનીના કોલોગ્નેમાં ભારતીય મૂળના લોકોએ ઘટના અંગે નારાજગી પ્રગટ કરી હતી.

