ગાંધીનગરઃ રાજકોટના બે પાટીદાર આગેવાનો પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને કોંગ્રેસ સમર્થક કહેવાતા નરેશ પટેલ વચ્ચે છેડાયેલી કોલ્ડ વોરમાં હવે દિલીપ સંઘાણી મધ્યસ્થીની ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શુક્રવારે યોજાયેલા પાટીદાર સમાજ સન્માન સમારોહમાં સંઘાણીએ કહ્યું કે, નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં હું વ્યક્તિગત રીતે સમજાવટનો પ્રયાસ કરીશ. છેલ્લા કેટલાય સમયથી પટેલ અને રાદડિયા જાહેરમાં એકબીજા વિરુદ્ધ નિવેદનો કરીને તેમની વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને વધુ ઘેરો બનાવી રહ્યા છે, ત્યારે આ નિવેદન સામે આવ્યું છે.

