રાજકોટઃ 25 મેનો દિવસ રાજકોટ ક્યારેય નહીં ભૂલે, એ દિવસની સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક જ લાગેલી આગમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. એ દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારો આજે પણ ગમગીનીમાં જીવી રહ્યા છે. અગ્નિકાંડમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે રહેતા પ્રદીપસિંહ ચૌહાણના એકના એક 14 વર્ષના પુત્ર રાજભાનું પણ મૃત્યુ થયું હતું. માતા અંજલિબાએ વહાલસોયાના અસ્થિમાંથી આર્ટિસ્ટ પાસે હાથમાં રાજભાનું ટેટૂ કરાવ્યું છે. દુર્ઘટના બાદ સોમવારે પ્રથમ રક્ષાબંધન છે. બહેન તપસ્યાબા આજે પણ ભાઈ નથી તે માનવા તૈયાર નથી. તેમણે એક રાખડી બનાવી છે, તેમાં તેમની અને રાજભાની તસવીર મૂકી છે. તપસ્યાબાએ એક દિવસ અગાઉ જ ભાઈની તસવીરને ચાંદલો કરી માતાના હાથ પર ટેટૂરૂપે રહેલા ભાઈને રાખડી બાંધી પ્રાર્થના કરી હતી.

