ભુજ: શ્રાવણ સુદ અષ્ટમીએ છેલ્લાં 184 વર્ષથી ચાલી આવતી રાજાશાહી પરંપરા મુજબ આ વખતે પણ રુદ્રાણી માતાની પતરીપૂજા કરાઈ હતી. રાજવી પરિવારનાં મહારાણી પ્રીતિદેવીબાની સૂચના મુજબ તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી દરબારગઢ ટીલામેડીએથી મા મહામાયા દેવીનાં આશીર્વાદ લઈ રાજવી પરિવારના સભ્યો અને ભાયાતો સાથે રુદ્રાણી માતાના મંદિરે પહોંચ્યા હતા.
મોટી રુદ્રાણી જાગીર ખાતે તમામ દેવ-દેવીઓનાં દર્શન બાદ 4 આરાધ્યદેવી મા મહામાયા, મા રવેચી, મા રુદ્રાણી તેમજ મા આશાપુરાનું પૂજન કરી તેરા ઠાકોર મયૂરધ્વજ સિંહેજીએ માતાજી સમક્ષ ખેસ ફેલાવી પતરીરૂપી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે કુંવર ઇન્દ્રજિતસિંહજી, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.

