નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માગ સાથે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં કરેલી અરજીમાં સ્વામીએ દાવો કર્યો છે કે, મેં રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવા માટે ગૃહ મંત્રાલયને 5 વર્ષ પહેલાં ફરિયાદ કરી હતી. જેને લઈને હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
સ્વામીની અરજીની હાઇકોર્ટ આગામી સપ્તાહે સુનાવણી કરી શકે છે. વકીલ સત્ય સભરવાલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. સ્વામીએ વર્ષ 2019માં ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે બેકોપ્સ લિમિટેડ નામની કંપનીની વર્ષ 2003માં બ્રિટનમાં નોંધણી થઈ હતી, રાહુલ ગાંધી આ કંપનીના એક ડાયરેક્ટર અને સચિવ હતા. ભાજપના નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે, કંપનીએ ઓક્ટોબર 2005માં એન્યુઅલ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ પોતાની નાગરિકતા બ્રિટિશ હોવાનું જાહેર કર્યું હતું. કંપનીના અન્ય દસ્તાવેજોમાં પણ રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટિશર દર્શાવાઈ છે. સ્વામીનો દાવો છે કે, પાંચ વર્ષ પહેલાં મેં ગૃહ મંત્રાલયને આ અંગે પત્ર લખ્યો હોવા છતાં કોઈ જ માહિતી આપવામાં નથી આવી. આ પ્રકારની અરજી વર્ષ 2019માં પણ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.

