સાક્ષર ભૂમિ નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

નડિયાદઃ સરદાર પટેલની જન્મભૂમિ ખેડાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. નડિયાદમ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી.
આ સંદર્ભે ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.
બે મહત્ત્વપૂર્ણ જાહેરાત
મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. 5017 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરિયાતમંદ એનએફએસએ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. 15 હજારથી વધારીને રૂ. 20 હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.
મુખ્યમંત્રીએ સુશાસનના જે સાત સપ્તર્ષિ સંકલ્પોના પાયા ઉપર ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારું રાજ્ય બનાવવું છે, તે પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું કે, સુગમતા-સરળતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઈને અગવડ ના પડે તેવી ‘‘ફ્રિક્સન લેસ’’ ગવર્નન્સ વ્યવસ્થા વધુ સંગીન બનાવવી છે.
સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે. સમર્પણને ચરિતાર્થ કરતાં ડિજિટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વ્હોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવતર બને તેવો સરકારનો
ધ્યેય છે. ‘મારું ગુજરાત, સર્વ શ્રેષ્ઠ ગુજરાત’ના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે પણ તેમણે આહવાન કર્યું હતું.
વિકાસના કેન્દ્રબિંદુ એવા વિવિધ વંચિત વર્ગો આદિજાતિ, મહિલાઓ તથા ગરીબોના સશક્તિકરણનો સુશાસન સપ્તર્ષિના છઠ્ઠા સંકલ્પ તરીકે મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા સંબંધિત સુશાસન સંકલ્પ અંગે ઉમેર્યું કે, વિકાસના પાયામાં સુરક્ષા, સલામતી અને શાંતિ રહેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કાયદો તથા વ્યવસ્થા વધુ સંગીન બનાવવા જૂના કાયદાઓમાં સુધારો કરી ત્રણ નવા કાયદા અમલી બનાવ્યા છે.
આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરતમંદ NFSA પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. 15 હજારથી વધારીને રૂ. 20 હજાર કરવાની પણ જાહેરાત કરી હતી.
ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક એમ ત્રણ નવા કાયદા હવે અમલી થતાં સમગ્ર દેશમાં એક જ ન્યાયદંડ સંહિતા લાગુ થઈ છે. આ નવા કાયદાઓથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકોની સલામતી માટે યોગ્ય પગલાં લઈ શકાશે.
રાજ્યના વિઝન ડોક્યુમેન્ટના બે આધાર
વિકસિત ગુજરાત @2047નું દિશાદર્શન કરાવતો વિઝન ડોક્યુમેન્ટ રાજ્ય સરકારે અર્નિંગ વેલ અને લીવિંગ વેલ જેવા બે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે. જેમાં ગુજરાત અને ગુજરાતીઓ વેપાર-વાણિજ્યમાં અગ્રેસર રહ્યા છે. કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોના વિકાસ અને તમામ નાગરિકોની આર્થિક પ્રગતિનો ધ્યેય પણ રાજ્ય સરકારે રાખ્યો છે.
‘અર્નિંગ વેલ’ની દિશામાં રાજ્યમાં અનેક યોજનાઓના અમલીકરણથી કામગીરી થઈ રહી છે. ‘લીવિંગ વેલ’ના આધારમાં નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવે અને ઇઝ ઓફ લીવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ સમાજના 4 સ્તંભોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે.


comments powered by Disqus