હાઈ ઓલ્ટિટ્યૂડ ટ્રેનિંગ માટે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેવરિટ બન્યું

Wednesday 21st August 2024 06:19 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં રમતગમતનું સ્તર ઉપર આવે તે માટે રાજ્યના રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ તાલુકા અને જિલ્લામાં રમત સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જેમાં મોટી સંખ્યામાં યુવા એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત્ છે અને આ તમામમાં ડાંગમાં સાપુતારા ખાતે લગભગ રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે હાઇ ઓલ્ટિટ્યૂડ ટ્રેનિંગ માટે ફેવરિટ બની રહ્યું છે.
દરિયાની સપાટીથી 1500 મીટર ઊંચાઈએ આવેલા આ કોમ્પ્લેક્સમાં વિશેષ ટ્રેનિંગ આપીને ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય વાતાવરણની તુલનામાં ઓછા ઓક્સિજનવાળા માહોલના કારણે ખેલાડીઓ વધારે મજબૂત બની શકે છે અને નેશનલ તથા ઇન્ટરનેશનલ સ્તરે વધારે સારો દેખાવ કરી શકે છે. સાપુતારા કોમ્પ્લેક્સમાં 400 મીટર સિન્થેટિક ટ્રેક, એસ્ટો ટર્ફ હોકી ગ્રાઉન્ડ, આર્ચરીની ઓલિમ્પિક સાઇઝની ટાર્ગેટ રેન્જ સહિત કબડ્ડી અને ખો-ખોનાં મેદાન પણ તૈયાર છે.
સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 138 યુવા ખેલાડીની ક્ષમતા છે અને અત્યારે 84 ખેલાડીને વિવિધ તાલીમ અપાઈ રહી છે. તમામ ખેલાડીઓની અભ્યાસથી લઈને રહેવાની તથા શિક્ષણની વ્યવસ્થા સરકાર અને એસએજી દ્વારા કરાઈ છે.


comments powered by Disqus