પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં શનિવારે ધો. એકમાં અભ્યાસ કરતાં અંદાજે 21 જેટલાં ભુલકાંને શાળાના શિક્ષકો ભૂલમાં બંધ કરીને ઘરે જવા નીકળી ગયા હતા. બાદમાં આ બાળકોએ સ્કૂલના દરવાજાની જાળીએ આવીને ભારે રોકકળ અને આક્રંદ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં રોષે ભરાયેલાં વાલીઓનાં ટોળાંએ સ્કૂલમાં ધસી જઈ પુરાઈને ગભરાઈ ગયેલાં બાળકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. ઘટનાસ્થળે દોડી આવેલા શિક્ષકો સાથે વાલીઓનું શાબ્દિક ઘર્ષણ થયું હતું, જે મામલો ગામના આગેવાનોની દરમિયાનગીરીથી થાળે પડ્યો હતો. આ મામલે ડીઈઓએ શાળાના આચાર્યને નોટિસ ફટકારી છે.

