કચ્છ આવતા પ્રવાસીઓમાં સાડા ત્રણ ગણો વધારોઃ જી-20 સમિટ ફળી

Wednesday 21st February 2024 05:03 EST
 
 

ગાંધીનગરઃ એક-દોઢ દાયકાથી દરવર્ષે કચ્છના સફેદ રણના ધોરડો ગામે યોજાતા રણોત્સવને ગતવર્ષે યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો દરજ્જો આપ્યા બાદ હવે સ્થાનિક અર્થતંત્રની ગતિ પણ વધી રહી છે. તેની પ્રતીતિ શુક્રવારે વિધાનસભાથી જાહેર થયેલી માહિતીમાં પ્રસ્તુત થઈ છે. વર્ષ 2023માં જી-20 સમિટની બેઠકો દરમિયાન માત્ર એક જ વર્ષમાં રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સાડા ત્રણ ગણો વધારો નોંધાયો છે.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આપેલા જવાબમાં કહ્યું કે, વર્ષ 2022માં રણોત્સવમાં 2,07,777 પ્રવાસીઓએ ભાગ લીધો હતો. જે 2023માં વધીને 7,28,614 નોંધાયા છે. બંને વર્ષમાં અનુક્રમે વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ 4,353થી વધીને 8,322એ પહોંચી છે. માત્ર પ્રવાસીઓ જ નહીં પણ સરકારને સફેદ રણમાં પ્રવેશ માટેની ફીની આવક પણ રૂ. 1.72 કરોડથી વધીને રૂ. 3.25 કરોડે પહોંચી છે. જ્યારે આ રણોત્સવમાં આવેલા 140 કાફટ, ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કચ્છના કલાકારો દ્વારા ઉત્પાદન થતી ચીજવસ્તુઓનું વેચાણ પણ રૂ. 4.19 કરોડથી વધીને એક જ વર્ષમાં રૂ. 7.38 કરોડને પાર પહોંચ્યું છે, જે પોણા ચાર ગણો વધારો સૂચવે છે. ગતવર્ષે ધોરડોને યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો દરજ્જો મળ્યો છે, ત્યારે આવનારાં વર્ષોમાં રણોત્સવને વિશ્વભરના પ્રવાસીઓ વધુ પ્રમાણમાં મળવાની આશા છે.


comments powered by Disqus