નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ નવી સમસ્યા ઊભી થઈ રહી છે. એક તરફ ‘ઈન્ડિયા’માં ભંગાણ પડતાં એક પછી એક પક્ષ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે, ત્યારે શુક્રવારે આઇટી વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માટે કોંગ્રેસના બધાં જ મુખ્ય બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યાં હતાં. જો કે આઇટી એપેલેટ ટ્રિબ્યુનલે પાછળથી પક્ષને આગામી સપ્તાહે વધુ સુનાવણી સુધી બેન્ક ખાતાનું સંચાલન કરવાની રાહત આપી હતી.
કોંગ્રેસ નેતા અને ખજાનચી અજય માકને કહ્યું કે, આઇટી વિભાગે તેમના પક્ષનાં બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરી દીધાં છે. યુવા કોંગ્રેસનું બેન્ક ખાતું પણ ફ્રિઝ કરી દેવાયું છે. આઇટી વિભાગના આ પગલાંના કારણે અમારાં તમામ નાનાં-મોટાં કામ અટકી પડ્યાં હતાં. માત્ર ન્યાય યાત્રા જ નહીં, પરંતુ પક્ષની બધી જ રાજકીય પ્રવૃત્તિ પર અસર પડી છે. આઇટી વિભાગે કોંગ્રેસ પાસેથી રૂ. 210 કરોડની રિકવરીનો આદેશ આપ્યો છે. જો કે આઇટી ટ્રિબ્યુનલે બુધવાર સુધી એકાઉન્ટ ડીફ્રિઝ કર્યાં છે, પરંતુ તેમાં રૂ. 115 કરોડની રકમ ફ્રિઝ રાખી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, એસેસમેન્ટ નાણાકીય વર્ષ 2018-19માં કોંગ્રેસ પર રૂ. 103 કરોડની ટેક્સ વસૂલાત બાકી હતી. આ સિવાય અંદાજે રૂ. 32 કરોડ વ્યાજની રકમ પણ ચૂકવવાની બાકી હતી.

