ગાંધીનગરમાં ફરી જમીન કૌભાંડઃ છેક PMOથી તપાસનો આદેશ આવ્યો

Tuesday 20th February 2024 05:03 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એકવાર ફરી જમીન કૌભાંડ સામે આવ્યું છે. ડભોડા ગામના હનુમાન મંદિરના પૂજારી પ્રવીણચંદ્ર મહેતાનો પરિવાર દાયકાઓથી ડભોડામાં જ રહે છે. પૂજારીના પિતા એટલે કે જગન્નાથભાઈ મહેતા તેમની પત્ની મણિબહેન છ સંતાનો એટલે કે બે દીકરા અને ચાર દીકરીઓ સાથે રહેતાં હતાં. જગન્નાથ મહેતા તથા તેમની પત્ની મણિબહેનના નામની અલગ-અલગ સરવે નંબરની જમીનો ડભોડા ગામની સીમમાં જ આવેલી હતી. જે અંદાજે 12 વીઘા જમીનની કિંમત આશરે રૂ. 25 કરોડ થવા જાય છે. આ જમીન માલિકને જાણ થયા વગર બારોબાર એક બાદ એક એમ ચાર લોકોને વેચી નખાઈ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
જગન્નાથભાઈના અવસાન બાદ તેમની પત્ની મણિબેનની માનસિક સ્થિતિ કથળતા તેઓ 40થી 50 વર્ષ પૂર્વે ઘરેથી ક્યાંક ચાલ્યાં ગયાં હતાં. તેમને શોધવા પરિવારે ઘણા પ્રયાસો કર્યા હતા. છતાં મણિબેનનો આજદિન સુધી કોઈ અતોપતો લાગ્યો નથી. એટલે જ તેમના અવસાનની કોઈ જગ્યાએ નોંધણી કરાવી નહીં હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે.
થોડાં વર્ષો અગાઉ પરિવારને જાણ થઈ કે ડભોડાની સરવે નંબર 2108ની 12 વીઘા જમીનના સરકારી રેકર્ડમાંથી મણિબેનનું નામ કમી થઈ ગયું છે. મણિબેનના પુત્ર પ્રવીણભાઈ સહિતના લોકો આ વાત જાણીને ચોંકી ઊઠ્યા હતા. કારણ કે તેમણે આવી કોઈ અરજી કરી જ ન હતી. આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અરજી કરવામાં આવી હતી, જેને PMOએ ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે.


comments powered by Disqus