રાજકોટઃ પીઢ ગાંધીવાદી દેવેન્દ્રભાઈ દેસાઇનું 14 ફેબ્રુઆરીએ ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ સમાચાર જાણીને ખાદી ઉત્પાદ સાથે જોડાયેલી સંસ્થાઓ તેમજ ગાંધી વિચારધારાને અનુસરતા લોકોમાં ઊંડા દુ:ખની લાગણી પ્રસરી હતી.
દેવેન્દ્રભાઈ દેસાઈની કર્મભૂમિ રાજકોટ રહી હતી. અહીં પાંચ દાયકા સુધી તેઓનું પત્રકારત્વ, રાજકીય, સહકારી ક્ષેત્રે પ્રદાન રહ્યું છે. સૌથી વિશેષ ખાદીગ્રામ ઉદ્યોગક્ષેત્રે સક્રિય રહીને ગામડાના લોકોને ખાદી અને હેન્ડિક્રાફટ ક્ષેત્રે જોડી રોજગારી પૂરી પાડવામાં તેમનું યોગદાન રહ્યું છે. આ રીતે તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિકાસમાં છેક સુધી સમર્પિત રહ્યા હતા. તેઓ રાજકોટ જિલ્લા જનતા દળના પ્રમુખ પણ રહ્યા હતા.
ગુજરાતના ખાદીજગતના જૂની પેઢીના છેલ્લા મોભી પૈકી એક એવા દેવેન્દ્રભાઈ દેસાઈ સૌરાષ્ટ્ર ખાદી રચનાત્મક સમિતિના પ્રમુખ, રાજકોટ ડેરીના સ્થાપક પ્રમુખ, અખિલ ભારત ખાદી ગ્રામોદ્યોગ પંચના ચેરમેન રહ્યા હતા.

