અમદાવાદઃ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ વિદેશીઓને આકર્ષવાના ચક્કરમાં સરકારે લીધેલા દારૂની છૂટના નિર્ણયનાં ઘાતક પરિણામો ભોગવવાં પડશે.
સરકારના જાહેરનામાને રદ કરવા અરજીમાં રજૂઆત કરતાં જણાવાયું છે કે, ગિફટ સિટીમાં દારૂ પીવાની મંજૂરીથી દારૂના નશામાં હિટ એન્ડ રનના કેસ વધી શકે છે. દારૂ પીને વાહન ચલાવતા કોઈને કચડી નાખે તો તેની સામે પ્રોહિબિશનનો ગુનો નહીં નોંધાય.

