અમદાવાદઃ ગિરનાર પર્વત પર આવેલી પાંચમી ટેકરી દત્તાત્રેયની છે કે નેમિનાથથી તે મામલે બે સંસ્થાઓનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. અરજીમાં બંને સંસ્થાએ આ ટેકરી પર પોતપોતાના ભગવાનનાં પગલાં હોવાની રજૂઆત કરી છે.
આ મામલે જસ્ટિસ વૈભવી નાણાવટીએ કેન્દ્ર, રાજ્ય સરકાર અને જૈન સંપ્રદાયોના પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મુલતવી રાખી છે. દેશભરમાં હિન્દુ મંદિરની સ્થાપના મામલે ચાલતા વિવાદો બાદ હવે હિન્દુ અને જૈનો વચ્ચે પણ પોતાના ભગવાનની જગ્યા હોવાના વિવાદો વધી રહ્યા છે.
એક જૈન સંસ્થાએ એવી રજૂઆત કરી છે કે, ગિરનાર પર્વત પર આવેલી પાંચમી ટેકરી પર તેમના ભગવાન નેમિનાથનાં પગલાં છે, તો હિન્દુ સંસ્થાએ એવો દાવો કર્યો છે કે પાંચમી ટૂંક તેમના ભગવાન દત્તાત્રેયની છે. જૈનો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, પાંચમી ટૂંક પર તેમના નેમિનાથનાં પગલાં છે, જેના પુરાવા પણ છે. તેથી જૈનોને જ તે જગ્યા પર પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. ઘણાં વર્ષોથી ચાલતા વિવાદમાં જૈનોએ એવી દલીલ કરી હતી કે, તેમના ભગવાનનાં પગલાંની પૂજા કરવા દેવામાં આવતી નથી. એટલું જ નહીં તેમને પ્રવેશ પણ અપાતો નથી.
ઉલ્લેખનીય છે કે ધાર્મિક રીતે પુરાતત્ત્વની દૃષ્ટિએ આ સ્થાન આરક્ષિત જાહેર કરાયું છે, છતાં નેમિનાથ ભગવાનનાં પગલાંને ઢાંકી દેવામાં આવ્યાં છે અને તે જગ્યા પર બાંધકામ પણ થઈ રહ્યું છે. હાઇકોર્ટે તમામ પક્ષકારોને પુરાવા સહિતના રેકોર્ડ રજૂ કરવા આદેશ કર્યો છે.

