નવી દિલ્હીઃ ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની વાટાઘાટ પણ સફળ થઈ નથી. આ બેઠકમાં સરકારે ચાર પાક માટે એમએસપી આપવાની ઓફર કરી હતી, પરંતુ સોમવારે ખેડૂતોના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, સરકારના પ્રસ્તાવ પર ખેડૂતોમાં સહમતી સધાઈ શકી નથી. તમામ ફોરમમાં વાત કર્યા બાદ હવે ખેડૂત નેતાએ એમ નિર્ણય કર્યો છે કે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પોતાના પ્રસ્તાવમાં ફક્ત હરિયાણા અને પંજાબના ખેડૂતોને જ જોઈ રહી છે, પરંતુ આ આંદોલન દેશભરના ખેડૂતોના વિવિધ પાક માટે છે. અન્ય એક કિસાન નેતાએ પણ જણાવ્યું હતું કે, તમામ માગણી સ્વીકારવા માટે ખેડૂતોએ સરકારને 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આ અગાઉ પાક પર લઘુતમ ટેકાના ભાવની ગેરંટીના મુદ્દે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા તૈયાર થઈ ગઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી ધાન અને ઘઉં ઉપરાંત મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જો કે તેના માટે ખેડૂતોએ નાફેડ સાથે તથા સીસીઆઇ સાથે પાંચ વર્ષનો કરાર કરવો પડશે. કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવ પર બેઠકમાં ઉપલબ્ધ ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, તેઓ તમામ સંગઠનો સાથે વાત કરીને પોતાનો આખરી નિર્ણય સરકારને જણાવશે.
અગાઉ ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કરી દીધું હતું કે, એમએસપીની ગેરંટી માટે કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ બહાર પાડે. ખેડૂતો આનાથી ઓછું કશું નહીં સ્વીકારે.

