જે.પી. નડ્ડા સહિત ભાજપના 4 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ વિજેતા

Wednesday 21st February 2024 05:03 EST
 
 

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના નેતા મયંક નાયક અને ગોધરાના ડો. જશવંતસિંહ પરમાર ગુરુવારે રાજ્યસભાની ગુજરાતની ખાલી પડનારી 4 બેઠક માટે બિનહરીફ વિજેતા થયા છે.
રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો પૈકી 4 બેઠકો એપ્રિલ મહિનામાં ખાલી થાય છે. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા એમ બે સાંસદ ભાજપના છે. જ્યારે બાકીના બે સાંસદોમાં કોંગ્રેસનાં ડો. અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. એટલે કે હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના છેલ્લા સાંસદ તરીકે શક્તિસિંહનું જ પ્રતિનિધિત્વ રહેશે.
નડ્ડા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા
જગતપ્રકાશ નડ્ડા હિમાચલ પ્રદેશ યુનિ.માં ઇતિહાસના પ્રોફેસર રહી ચૂક્યા છે. ત્રણ ટર્મ સુધી હિમાચલ પ્રદેશના ધારાસભ્યના કાર્યકાળમાં તેઓ કેબિનેટ મંત્રી અને વર્ષ 1991માં ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પણ હતા. રાજ્યસભાની ત્રણ ટર્મ દરમિયાન મોદીના પહેલા કાર્યકાળમાં આરોગ્ય મંત્રી અને બીજી ટર્મમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત્ છે.
ધોળકિયા ગ્રૂપની વાર્ષિક આવક રૂ. 15,000 કરોડ
અમરેલીના દુધાળાથી સુરતમાં રત્નકલાકાર તરીકે કારકિર્દીનો આરંભ કરનારા 77 વર્ષના ગોવિંદભાઈ ધોળકિયાનું SRK ગ્રૂપ વાર્ષિક રૂ. 3,15,000 કરોડથી વધારે આવક મેળવે છે. ગોવિંદભાઈ તેમની સખાવતો અને હીરાઉદ્યોગમાં યોગદાનને કારણે જાણીતા છે.
રિક્ષા ચલાવતા હતા મયંક નાયક
અમદાવાદ સ્થિત પોલિટેકનિક ઇજનેરી કોલેજમાં ડિપ્લોમા થયેલા મહેસાણાના 40 વર્ષના મયંક નાયકે એક વેળાએ મોટા પરિવારને મદદરૂપ થવા કારકિર્દીના આરંભે ત્રણેક વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી છે. જેના કારણે બહોળા સંપર્કો હોવાથી 90ના દાયકામાં નરેન્દ્ર મોદીની ટીમે તેમને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉતાર્યા હતા. ત્યારે એકમાત્ર મયંક નાયક 1700 મતે જિત્યા હતા. હાલમાં તેઓ ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ છે.
ભાજપ સામે લડ્યા હતા ડો.જશવંત પરમાર
પંચમહાલના ગોધરામાં જનરલ સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા 47 વર્ષના ડો. જશવંતસિંહ પરમારને વર્ષ 2017ની વિધાનસભા ટિકિટ ભાજપે આપી નહોતી, જેથી તેઓ ભાજપની જ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ત્રીજા ક્રમે સૌથી વધુ મત મેળવ્યા હતા.


comments powered by Disqus