વિસનગરઃ તરભ વાળીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ચોથા દિવસે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાથીઓ વહેલી સવારથી વાળીનાથ શિવમંદિરે આવી પહોંચ્યા હતા. પ્રથમ કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, બાદમાં શિવ સહસ્ત્રાર્યન પંચવકત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ આચાર્ય ચિરાગ જોષી અને વિદ્વાન ભૂદેવો દ્વારા દાતાઓના હસ્તે અરણી મંથન અગ્નિ પ્રાગટ્ય કરાયું હતું. જેમાં 2600 યજમાનો યજ્ઞમાં બેઠા હતા, જે મુજબ પાંચ દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે.
91 કિલો ચાંદીથી બાપુની રજતતુલા
વાળીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે દાતા તળજાભાઈ રૂડાભાઈ મોટીદાઉ- સુરત, ધીરુભાઈ ધુમાસણ તરફથી તરફથી પ.પૂ. જયરામગિરિ બાપુની રજતતુલા તેમજ સાકરતુલા કરાઈ હતી.
નળમાંથી પાણી નહીં ચા આવે છે
નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. પાણીની 2000 લિટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને પાણીના નળ લગાવ્યા છે. એક કલાકમાં 3000થી 3500 લોકો ચાની મજા લઈ શકે છે.

