શિનોરઃ મહાસુદ સાતમે મા નર્મદાની જન્મજયંતીની દરેક નર્મદાકિનારે ઉજવણી કરાઈ. નર્મદાજયંતીએ માતાનું પૂજન, દીપદાન, ચૂંદડી મનોરથના કાર્યક્રમ કરી જન્મદિનની ઉજવણી કરાય છે. આ નિમિત્તે શિનોર રામજી મંદિર અને ગણપતિ મંદિરના મહંતો અને ભક્તો દ્વારા નર્મદા કિનારે 11 હજાર દીવડા તરતા મૂકવામાં આવ્યા હતા, તેમજ 2000 કુંવારિકાને ભોજન કરાવાયું હતું.
ચાણોદ નર્મદાકાંઠે પણ નાવિક મંડળ સહિત વિવિધ સમાજ દ્વારા નર્મદા જયંતીએ કેક કાપવામાં આવી હતી. નાવિક મંડળ દ્વારા માતા નર્મદાને ચૂંદડી અર્પણ કરાઈ હતી. મહાસુદ સાતમે નર્મદા જયંતી હોઈ નર્મદાકિનારે રહેતા અને ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો. શિનોર નર્મદાકિનારે રિદ્ધિ-સિદ્ધિ મંદિરે ત્રણ દિવસ શ્રીયાગ અને નર્મદા મૈયાને દૂધ અભિષેક, ફૂલ, નાળિયેર અર્પણ કરી ધાર્મિક પૂજા કરાઈ હતી.

