ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઐતિહાસિક અને રમણીય સ્થળોને પ્રવાસન સ્થળ માટે વિકસાવવા માટે એક પછી એક સ્થળો પસંદ કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરી હેઠળ સેંકડો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ વડોદરાના ચાણસદને વિકસવવાનું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે, જેના ભાગરૂપે સરકારે છેલ્લાં બે વર્ષમાં રૂ. 10 કરોડ જેટલી રકમ ફાળવી હોવાનું વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે જણાવ્યું હતું.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ એવા ચાણસદને વિકસાવવા માટેની કામગીરી અંગે પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળને વિકસાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ માટે રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી સ્ટેચ્યૂ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર કરાશે. ઉપરાંત પ્રાગટ્ય તીર્થનો વિકાસ કરાશે. આ જગ્યા પર મેમોરિયલ પાર્કિંગ, ગેટ, અક્ષર સેતુ, ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, ગજેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટોઇલેટ બ્લોક સહિતની કામગીરી પણ કરાશે.

