ગાધીનગર: લાંબા ગાળાનું ભવિષ્ય જોઈને રાજકીય ગણિત ઘૂંટવામાં માહેર ભાજપના ટોચના વ્યૂહ નીતિકારોએ ચારેય ઉમેદવારની પસંદગી કરીને ન માત્ર ગુજરાત પણ રાષ્ટ્રીય સ્તરે પણ એક પ્રકારે સંદેશો આપવા પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને હિમાચલ પ્રદેશને બદલે ગુજરાતમાંથી મોકલવા ઉપરાંત ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને સુરત સ્થાયી થયેલા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની પસંદગી કરીને સૌરાષ્ટ્રને સાચવી લેવાયું છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાના મયંક નાયક થકી એ ક્ષેત્ર અને બક્ષીપંચ સમૂહને પણ તક આપી છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા બારિયા સમાજમાંથી આવતા ગોધરાના ડો. જશવંતસિંહ પરમારને પસંદ કરીને ભાજપે એ ક્ષેત્ર અને બક્ષીપંચ સમૂહને સાચવી લીધો છે. ભાજપે આ પ્રકારે પોતાના ઉમેદવારોને ગોઠવીને આવનારી લોકસભાની ચૂંટણી માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેનું સંતુલન જાળવ્યું છે.

