મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા આરક્ષણ બિલ પર મહોર લાગી ચૂકી છે. વિધાનસભામાં આ બિલ સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે. આ બિલમાં 10 ટકા મરાઠા આરક્ષણની જોગવાઈ કરાઈ છે. જેનાથી મરાઠા સમુદાયને શિક્ષા અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રખાશે. મરાઠા આરક્ષણને લઈને વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. આ પહેલાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી ફડણવીસે મરાઠા આરક્ષણ બિલને સર્વસંમતિ અને પૂર્ણ બહુમતથી આ બિલને પસાર કરવાની અપીલ કરી હતી. જો કે વિપક્ષી નેતાઓની સાથેસાથે સત્તાપક્ષથી એકમાત્ર સભ્ય એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વિરોધ નોંધાવવા ઊભા થયા હતા. બીજી તરફ વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે બિલ પર સહમતી વ્યક્ત કરી હતી.

