ભુજઃ ભારત અને ઇઝરાયલ વચ્ચે સુમેળભર્યા સંબંધો છે, જેનો વૈશ્વિક સ્તરે કચ્છને ફાયદો થવાનો છે. ઇઝરાયલ સાથે હાલમાં ભારતનો કોઈ ટ્રેડ કોરિડોર નથી, ત્યારે કચ્છના મુન્દ્રાથી ઇઝરાયલના હાઇફા પોર્ટ સુધી દરિયાઈ માર્ગે ટ્રેડ કોરિડોર શરૂ થાય તે દિશામાં પગલાં ભરાઈ રહ્યાં છે, જે અંતર્ગત ઇઝરાયલના કેન્દ્રીય પરિવહનમંત્રી મીરી રેજીવે મુન્દ્રા પોર્ટની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે મુન્દ્રા અને ઇઝરાયલનું હાઇફા પોર્ટ પણ અદાણી સંચાલિત છે, તેમજ મુન્દ્રા પોર્ટ પર વૈશ્વિક વેપાર સંદર્ભે પૂરતી સવલતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી ગુજરાતની સાથે રાજસ્થાન, યુપી, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજ્યોના કાર્ગોનું હેન્ડલિંગ પણ અહીં થતું હોવાથી મુન્દ્રાની પસંદગી થઈ છે. આ ટ્રેડ કોરિડોર શરૂ થતાં બંને દેશના વ્યાપારમાં ગતિ આવવાની સાથે કચ્છનો ફરી વૈશ્વિક સ્તરે ડંકો વાગશે.
