નવી દિલ્હીઃ ઇસરોએ ભારતના સૌથી એડવાન્સ વેધર સેટેલાઇટ INSAT-3DSનું શનિવારે સાંજે 5:35 કલાકે સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચિંગ પેડ પરથી GSLV-F14 રોકેટ મારફતે INSAT-3DS સેટેલાઇટને તેની નક્કી કરેલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ તેની સિરીઝનો ત્રીજી પેઢીનો સેટેલાઇટ છે. આ લોન્ચિંગમાં ત્રણ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. પ્રથમ તો આ જીએસએલવીનું 16મું ઉડ્ડયન હતું. સ્વદેશી કાયો સ્ટેજની 10મી ફ્લાઇટ અને સ્વદેશી કાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ ફ્લાઇટ બની છે. GSLV-F14 રોકેટ લોન્ચિંગ બાદ INSAT-3DS સેટેલાઇટને તેની નિશ્ચિત કક્ષામાં મૂકી દીધો હતો. તેના પછી જ સેટેલાઈટના સોલર પેનલ્સ પણ ખૂલી ગયાં છે, એટલે કે ઇસરોના આ સેટેલાઇટને સૂરજથી મળનારા પ્રકાશથી ઊર્જા મળતી રહેશે અને તે સક્રિય રહેશે.
હવે હવામાનની વધુ ચોક્કસ આગાહી થઈ શકશે
આ સેટેલાઇટ ઇંડાના આકારની જીઓટી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવશે. આ સેટેલાઇટનું કુલ વજન 2,274 કિલો છે, તેમાં છ ચેનલ ઇમેજર તથા 19 ચેનલ સાઉન્ડર મેટિયોરોલોજી પેલોડ્સ હાજર છે. તે પોતાના જૂના સેટેલાઇટ INSAT- 3D અને INSAT-3DR સાથે મળીને હવામાનની જાણકારી આપશે.

