શિયાળો ન જામતાં આંબા પર માત્ર 30થી 40 ટકા જ મોર લાગ્યા

Tuesday 20th February 2024 05:56 EST
 
 

ભરૂચઃ આ વર્ષે ઠંડીની અસર ઓછી રહી છે, જેની અસર ફળોના રાજા એટલે કે આંબાની ખેતી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્યત: ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર મોર લાગી જતા હોય છે. જો કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો છે, ત્યારે હજી સુધી 30થી 40 ટકા જેટલા જ મોર લાગતાં આ વર્ષે કેરીનો સ્વાદ ફિકો પડે તેવી શક્યતા છે. ભરૂચ અને અંકલેશ્વર સહિત વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘણા ખેડૂતોએ હવે આંબાવાડી કરી છે. જો કે આ વર્ષે આંબાવાડીના માલિકો તેમજ ઇજારદારોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે.
ભરૂચમાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે, જેની અસર આંબાના પાક પર પડી રહી છે. શિયાળાની મોસમમાં સળંગ 10 દિવસ સુધી હાડ થીજવતી ઠંડીની મોસમ રહે ત્યારે આંબા પર મોર લાગતા હોય છે, ત્યારે આ વર્ષે તાપમાન માંડ થોડા દિવસ જ 11- 12 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. દિવસનું તાપમાન પણ ઊંચું રહેતાં સામાન્ય રીતે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આંબા પર મોર લાગતા હોય છે, તેના બદલે ફેબ્રુઆરીનો અડધો મહિનો પૂર્ણ થવા છતાં માત્ર 30થી 40 ટકા જ મોર લાગ્યા છે. જો કે ફેબ્રુઆરીના અંતિમ 10 દિવસમાં પણ વાતાવરણમાં બદલાવ સાથે ઠંડીનું સારું મોઝું ફરી વળે તો ઉપ્તાદનમાં ફાયદો થઈ શકે.


comments powered by Disqus