સરદારની કર્મભૂમિ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં નહીં સમાવાય

Tuesday 20th February 2024 05:56 EST
 
 

આણંદઃ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આણંદને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતાં અટકળો શરૂ થઈ ગઈ હતી કે સરદાર પટેલના વતન એવા કરમસદનો સમાવેશ પણ આણંદ મનપામાં કરાશે. કરમસદ વાસીઓ અને રાજકીય નેતાઓએ સરદાર પટેલની કર્મભૂમિનું સન્માન જળવાઈ રહે તે માટે વિરોધ વ્યક્ત કર્યો હતો, જે ધીમેધીમે વ્યાપક બન્યો હતો. આ વિરોધના પગલે હવે રાજ્ય સરકારે સૂચિત આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ન સમાવવા નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય સરદાર પટેલની વતનની ઓળખ કરમસદનું સન્માન જળવાઈ રહે તે હેતુથી લીધો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
હવે પ્રશ્ન એ છે કે કરમસદ હટી જાય તો 40 હજારની વસ્તી દર્શાવવા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. કરમસદના વિસ્તારને આણંદ મહાનગરપાલિકામાંથી બાકાત રાખીને આગળનાં ગામોને જોડી શકાય તેમ નથી, જેથી હવે તંત્રએ સામરખા, ચિખોદાર કે હાડગુડથી આગળ 10 કિ.મી. ત્રિજ્યામાં હોય અને તેની વસ્તી વધારે હોય તેવાં ગામોનો મનપામાં સમાવેશ કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે. જે અંગે તંત્રએ નવેસરથી મહાનગરપાલિકા વિસ્તાર અને વ્યાપનું આયોજન કરીને નકશો તૈયાર કરવાની ગડમથલ કરવાનો વખત આવ્યો છે.


comments powered by Disqus